Our Principal
SHREE MEHULBHAI VADDORIYA
PRINCIPAL
આચાર્યનો સંદેશ
વંદે માતરમ્ ... !
“જટ ડહોળી નાખો રે, મન જળ થંભ ગયેલું”
પ્રવર્તમાન કાળ એટલે ટચ સ્ક્રીનનો સમય. એક ટચ કરવાથી કોઈપણ વસ્તુ હસ્તગત કરી શકાય. જેના ફાયદાઓ તો છે સાથે સાથે ગેરફેદાઓ પણ રહેલાં જ છે. આ સમયમાં કોઇની પાસે ધીરજ નથી રહી. દરેક લોકો આંગળીના ટેરવે કામ કરતાં થઈ ગયા છે. ટચ કરો અને જે જોઈએ તે પામો. જેના કારણે ધીરજ અને મૂલ્યોનું સતત ધોવાણ થતું જોવા મળે. બાળકો શૉર્ટકટમાં સફળતા મેળવવાના રસ્તા શોધવા માંડયા છે. આ વાતનો એવો મતલબ નથી કે બાળકોમાં આવડત નથી પરંતુ તેનું મન જળ થંભી ગયું હોય તેવું બની શકે. તો બાળકોના મન જળને ડહોળીને મંથન કરીને સત્વશીલ નવનીત પ્રાપ્ત કરવાનું કાર્ય શાળામાં જ થઈ શકે. તો આ સમયમાં શાળાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહે. સમગ્ર કોરોનાકાળ દરમિયાન, લોકડાઉનમાં ઓનલાઈન અને હાલ માં ઓફલાઇન શિક્ષણ દરમિયાન પણ આપણી શાળાની ભૂમિકા વિદ્યાર્થીના હિત માટેની, તેમના કલ્યાણ અને પ્રગતિ માટેની જ રહી છે. વસિષ્ઠની પરંપરા મુજબ બાળકનો સર્વાંગી વિકાસ જ સંસ્થાને અભિપ્રેત રહ્યો છે. સત્વશીલ શિક્ષણની સાથે-સાથે, પરિપક્વ પુનરાવર્તન અને હેતુસભર મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીનું ઉત્કૃષ્ટ ઘડતર કરવાની દિશામાં જ આપણે અગ્રેસર રહ્યા છીએ. ઉપરાંત રસ અને રુચિ તેમજ અભિલાસા સંતોષવાના હેતુથી વિવિધ વેબિનાર તેમજ સેમિનાર થકી ઘટતું પૂરવાની મથામણ કરતાં રહ્યાં છીએ. વર્ષ દરમિયાન લેકચર, ટેસ્ટ, વીકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ, એકમ ટેસ્ટ, સત્રાંતે લેવાતી પરિક્ષાઓ થકી સતત બાળકોનું મૂલ્યાંકન થતું રહ્યું છે. વળી કાઉન્સલિંગ દ્વારા બાળકોને હૂંફ, પ્રેમ આપવાનો, જરૂર પડે તો ટકોર કરીને તેમને યોગ્ય દિશા આપવાનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. વળી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આપણી શાળામાં BILINGUL MEDIUM (દ્વિભાષી માધ્યમ) નું ધો. ૩ થી ૭ માં પદ્ધતિસર સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે અમલીકરણ થઈ રહ્યું છે. જેમાં બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અંગ્રેજીમાં ભણવામાં આવે છે. આપણી શાળાએ આયોજનપૂર્વક આ કાર્યમાં સફરતા પ્રાપ્ત કરી છે જેની નોંધ લેવી ઘટે. ઉપરાંત શાળામાં કોમર્સ વિભાગ દ્વારા દર શનિવારે વ્યક્તિવિશેષ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓ જ વક્તા બનીને પોતાની રજૂ કરતા થયા છે તે ગૌરવની વાત છે. સમયાંતરે શાળામાં વિવિધ સેમિનાર, વેબિનાર, મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના થકી બાળકો શાળા, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્ર, પ્રકૃતિ, ઘર, પરિવાર કુટુંબ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં રહે. સાંપ્રત સમયની વિકટ ઘડીમાં પણ શાળા દ્વારા થયેલું સર્જનાત્મક કાર્ય વિદ્યા, વાલીશ્રીઓ, સારસ્વતો, સુપરવાઈઝર, આચાર્યશ્રી, એડવાઇઝરશ્રી, મેનેજમેન્ટ, બિનશૈક્ષણિક કર્મચારીઓની સહિયારી મહેનત, પરિપક્વ સમજ, એકતા અને સહકારને આભારી છે. સાંપ્રત વર્ષે થયેલાં ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર આપ સૌ પ્રત્યે લાગણીસભર ભાવ પ્રગટ કરીને આનંદ વ્યક્ત કરે છે. આપ સૌને હદયપૂર્વક ખુબ ખુબ આભાર...